Amrūt Kathā
← All stories
Rugved

અપાલા ઐત્રેયી

અપાલા ઋષિકાને ઋગ્વેદના મંડલ 8, સૂક્ત 91 ના સાત મંત્રોની દ્રષ્ટા છે.

Rugved Sukt 8.9114 min read
અપાલા ઐત્રેયી

कन्या॑ वार॑वाय॒ती सोम॒मपि॑ स्रु॒तावि॑दत् । अस्तं॒ भर॑न्त्यब्रवी॒दिन्द्रा॑य सुनवै त्वा ।
श॒क्राय॑ सुनवै त्वा ॥
असौ य एषि वीरको गृहंगृहं विचाकशत् । इमं जम्भसुतं पिब धानावन्तं करम्भिणम् ।
अपूपवन्तमुक्थिनम् ॥
असौ च या न उर्वरादिमां तन्वं मम । अथो ततस्य यच्छिरः सर्वा ता रोमशा कृधि ॥
खे रथस्य खेऽनसः खे युगस्य शतक्रतो । अपालामिन्द्र त्रिष्पूत्व्यकृणोः सूर्यत्वचम् ॥

Rugved 8.91

Shown in Gujarati — the English translation is coming soon.

અપાલા ઐત્રેયીની કથા અપાલા ઋષિકાને ઋગ્વેદના મંડલ 8, સૂક્ત 91 ના સાત મંત્રોની દ્રષ્ટા છે. આ સૂક્તમાં અપાલા ઇન્દ્રને સોમ અર્પણ કરે છે અને આરોગ્ય, તેજ તથા કલ્યાણની પ્રાર્થના કરે છે. સરસ્વતીના કિનારે વસેલા ઐત્રેય ઋષિના આશ્રમમાં એક સાંજે બળદગાડું આવીને ઊભું રહ્યું. ધૂળથી ખરડાયેલા વસ્ત્રોમાં, માથું નીચે ઢાળીને એક યુવતી નીચે ઊતરી. તેનું નામ અપાલા હતું — ઐત્રેય કુળની દીકરી, જેને થોડા સમય પહેલાં ધામધૂમથી પરણાવી હતી. ઋષિ બહાર દોડી આવ્યા. "બેટા! આમ અચાનક? ને એકલી, ગાડાવાળા સાથે?" અપાલાએ જવાબ ન આપ્યો. તેણે માત્ર પોતાનો ઓઢણી થોડી ખસેડી, અને ઋષિનું હૃદય કંપી ઊઠ્યું. તેની દીકરીની ચામડી પર ઠેકઠેકાણે ડાઘ ઊપસી આવ્યા હતા, ખરબચડી અને ફાટેલી, જાણે વૃક્ષની છાલ. એક વખતની એ કન્યા, જેની કાંતિ જનપદમાં પ્રખ્યાત હતી, તે આજે પોતાનું જ મોઢું છુપાવતી ઊભી હતી. "પિતાજી..." અપાલાનો અવાજ તૂટી ગયો. "એમણે... એમના ઘરમાં હવે મારે માટે જગ્યા નથી, એમ કહ્યું. કહે છે કે આ રોગ મારા કોઈ પાપનું ફળ છે, અને તેનાથી ઘરમાં દુઃખ-દરિદ્રતા આવશે." ઋષિપત્ની દોડી આવીને દીકરીને વળગી પડ્યાં, પણ અપાલાએ પોતાની જાતને હળવેકથી છોડાવી. "મા, મને ન અડો. હું નથી ઈચ્છતી કે આ મારો રોગ તમને પણ..." "ગાંડી છોકરી!" માતાએ ફરી તેને જકડી લીધી. "ચામડીનો રોગ છોકરું નથી ખાતો કે એક શરીરથી બીજામાં કૂદી પડે. તારો પતિ મૂર્ખ છે, બેટા, દયાહીન છે." તે રાત્રે અપાલા આશ્રમના એક ખૂણામાં એકલી બેસી રહી. તારાઓ તરફ જોતાં તેણે મનોમન વિચાર્યું: મેં કયું પાપ કર્યું છે, ઇન્દ્ર દેવ, કે મારું શરીર જ મારું શત્રુ બની ગયું? હું તો રોજ સવારે તમારી સ્તુતિ કરતી હતી. દિવસો વીતતા ગયા. અપાલાએ આશ્રમના કામોમાં મન પરોવી દીધું, પણ તેના હૃદયમાં ઊંડો સૂનકાર વસી ગયો હતો. ગામની સ્ત્રીઓ તેને જોઈને મોઢું ફેરવી લેતી; બાળકો તેનાથી દૂર ભાગતાં. "એને અડશો નહીં," માતાઓ પોતાનાં બાળકોને કહેતી, "એના શરીર પર દેવોનો કોપ છે." कन्या॑ वार॑वाय॒ती सोम॒मपि॑ स्रु॒तावि॑दत् । अस्तं॒ भर॑न्त्यब्रवी॒दिन्द्रा॑य सुनवै त्वा । श॒क्राय॑ सुनवै त्वा ॥ ઋ ૮.૯૧.૧ ગુજરાતી અનુવાદ: એક કન્યા પાણી લેવા જતી હતી ત્યારે તેને માર્ગમાં સોમલતા મળી. તે તેને પોતાના ઘરે લઈ જતી હતી અને બોલી: “હું તને ઇન્દ્ર માટે પીસીશ; હું તને શક્તિશાળી ઇન્દ્ર માટે પીસીશ.” એક સવારે, અપાલા નદીકિનારે પાણી લેવા જતી હતી ત્યારે તેને માર્ગમાં સોમલતા મળી.( ઋગ્વેદીય સોમને પાંદડા વિનાની, લીલી, રસદાર અને સાંધાવાળી ડાળીઓ ધરાવતી વનસ્પતિ તરીકે પુનઃરચવામાં આવે છે. ડાળીઓને દબાવીને રસ કાઢાતો હતો. કેટલાક વિદ્વાનો તેને Ephedra જાતિ સાથે જોડે છે) — જેને ગામના વૃદ્ધો "સોમલતા" કહેતા. તેના પિતા કહેતા હતા કે આ વનસ્પતિનો રસ યજ્ઞમાં ઇન્દ્ર દેવને અર્પણ કરાય છે, અને જે તેને શ્રદ્ધાથી અર્પે છે, ઇન્દ્ર તેની વાત સાંભળે છે. અપાલાના હાથ ધ્રૂજ્યા. તેની પાસે સોમ પીલવાના પવિત્ર પથ્થરો ન હતા — એ તો યજ્ઞમંડપમાં જ મળે. પણ કંઈક તેના મનમાં ઊગ્યું, એક હઠીલી શ્રદ્ધા જે તર્કથી પર હતી. "જો પથ્થર ન મળે," તેણે મનોમન કહ્યું, "તો મારું શરીર જ પથ્થર બનશે." તેણે સોમની ડાળી તોડી, અને પોતાના દાંતથી તેને ચાવવા લાગી. કડવો, તીખો રસ તેના મોઢામાં ફેલાયો, પણ તેણે ચાવવાનું ચાલુ રાખ્યું, જ્યાં સુધી રસ તેની હથેળીમાં ટપકવા ન લાગ્યો. असौ य एषि वीरको गृहंगृहं विचाकशत् । इमं जम्भसुतं पिब धानावन्तं करम्भिणम् । अपूपवन्तमुक्थिनम् ॥ ઋ ૮.૯૧.૨ ગુજરાતી ભાષાંતર: હે વીર અને તેજસ્વી ઇન્દ્ર, તમે ઘરેઘરે પધારો છો. મારા દાંતથી પીસેલો આ સોમરસ પીવો—જે અન્ન, કરંભ, પૂપ અને સ્તુતિથી યુક્ત છે તેણે આકાશ તરફ હાથ ઊંચા કરીને કહ્યું, " હે ઇન્દ્ર, મારી પાસે યજ્ઞનો ઠાઠ નથી, ઋત્વિજોના મંત્રો નથી. મારી પાસે ફક્ત મારી શ્રદ્ધા છે. આ રસ જે મેં મારા પોતાના દાંતથી કાઢ્યો છે. જો તમે ખરેખર ન્યાયી છો, તો જુઓ મારી તરફ." आ चन त्वा चिकित्सामोऽधि चन त्वा नेमसि। शनैरिव शनकैरिवेन्द्रायेन्दो परि स्रव॥ ઋ ૮.૯૧.૩ ગુજરાતી ભાષાંતર: હે સોમ, અમે તને સંપૂર્ણ રીતે ઓળખતા નથી અને તારી ગતિને સંપૂર્ણ રીતે સમજી શકતા નથી. તેથી હે સોમબિંદુ, ધીમે ધીમે અને શાંત રીતે ઇન્દ્ર માટે વહેતા થાઓ. પવન અચાનક થંભી ગયો. નદીનું પાણી પણ જાણે ક્ષણભર સ્થિર થયું. અપાલાને લાગ્યું કે આકાશમાં વાદળોની વચ્ચેથી એક તેજસ્વી પડછાયો નીચે ઊતરી રહ્યો છે — વજ્રધારી, સોનેરી કવચમાં સજ્જ, જેની આંખોમાં વીજળીની ચમક હતી. "કોણ છે તું, જે મને આટલી નિર્ભયતાથી બોલાવે છે? અગ્નિ વગર હવન નથી થતો, ને છતાં તારા સ્વરમાં એવો તાપ છે જે કોઈ વેદી વગર પણ મારા સુધી પહોંચ્યો." ઇન્દ્રનો સ્વર ગર્જના જેવો હતો, છતાં તેમાં કુતૂહલ પણ હતું. અપાલા ડરી નહીં. "હું અપાલા છું, ઐત્રેય કુળની દીકરી. મારા પતિએ મને તજી દીધી છે, કારણ કે મારી ચામડી રોગિષ્ઠ છે. ગામ મને અપશુકનીયાળ કહે છે. મા-બાપ મને ચાહે છે, પણ તેમની આંખોમાં પણ મેં દયા જોઈ છે — ને દયા, હે દેવ, પ્રેમ કરતાં વધુ વસમી હોય છે. હું તો સૂર્યની જેમ રોજ ઊગવા ઈચ્છું છું, પણ મારું શરીર જ મારે માટે વાદળ બની ગયું છે." ઇન્દ્રે તેની હથેળીમાં રહેલો સોમરસ જોયો. "તેં આ પોતાના દાંતથી કાઢ્યો? જે રસ પથ્થરે પીલવો જોઈએ, તે તેં પોતાના શરીરથી પીલ્યો — તારું શરીર જ આજે યજ્ઞવેદી બન્યું." "હા. મારી પાસે બીજું કંઈ ન હતું." ઇન્દ્ર થોડી ક્ષણ મૌન રહ્યા. પછી હસ્યા — ગર્જના જેવું નહીં, પણ ઊંડું, ગમગીન હાસ્ય. "મનુષ્યો મને હંમેશાં સોનાના પાત્રોમાં, રત્નજડિત વેદીઓ પર સોમ ધરે છે, ને છતાં તેમની શ્રદ્ધા છીછરી હોય છે — જેમ છીછરી નદી મોટો અવાજ કરે પણ તરસ ન છિપાવે. તેં મને કશું આપ્યું નથી, છોકરી, છતાં તારી શ્રદ્ધામાં જે સચ્ચાઈ છે, તે અગ્નિની જ્વાળા જેવી છે — નાની, પણ સાચી."

कुविच्छकत्कुवित्करत्कुविन्नो वस्यसस्करत् । कुवित्पतिद्विषो यतीरिन्द्रेण संगमामहै ॥ ગુજરાતી ભાષાંતર: શું ઇન્દ્ર અમને શક્તિશાળી બનાવશે? શું તે અમારા માટે ઘણું કલ્યાણ કરશે? શું તે અમને સમૃદ્ધ બનાવશે? પતિથી વિમુખ થઈ દૂર ગયેલી અમે ઇન્દ્ર સાથે જોડાઈએ.

"તો શું તમે મને વર આપશો, દેવ?" અપાલાનો અવાજ આશા અને ડરથી કંપ્યો.

ઈન્દ્રદેવનો ગંભીર અને લાડભરી વાણીમાં કીધું "અપાલા, તારી ભક્તિથી હું પ્રસન્ન છું બોલ હું તારી કઈ ઈચ્છા પૂરી કરી શકું” — જેમ રાત ઊતરે ત્યારે જ પ્રભાત ઊગે છે, इमानि त्रीणि विष्टपा तानीन्द्र वि रोहय । शिरस्ततस्योर्वरामादिदं म उपोदरे ॥ ગુજરાતી ભાષાંતર: હે ઇન્દ્ર, આ ત્રણ ક્ષેત્રોને વૃદ્ધિ આપો—મારા પિતાનું વાળ વગરનું માથું, તેમના સુકાઈ ગયેલા ખેતરને અને મારા આ શરીરને. અહીં ત્રણ “વૃદ્ધિ પામવાના ક્ષેત્રો” તરીકે પિતાનું માથું, પિતાનું ખેતર અને અપાલાનું શરીર દર્શાવવામાં આવ્યા છે. असौ च या न उर्वरादिमां तन्वं मम । अथो ततस्य यच्छिरः सर्वा ता रोमशा कृधि ॥ ગુજરાતી ભાષાંતર: આ સુકાઈ ગયેલી જમીન, મારું આ શરીર અને મારા પિતાનું જે માથું છે—આ બધાને ફળદ્રુપ અને સમૃદ્ધ બનાવો; આ બધામાં વૃદ્ધિ અને વાળ ઉત્પન્ન કરો. "દેવ," અપાલાએ ઇન્દ્રને પ્રણામ કરતાં કહ્યું, "ત્રણ સ્થાન જે વેરાન છે — મારા પિતાનું માથું, જે વર્ષોથી વાળ વગરનું છે ને ગામના છોકરાઓ તેમની મશ્કરી કરે છે; તેમનું ખેતર, જે વર્ષોથી વરસાદ વગર સુકાઈ ગયેલું છે; ને મારું પોતાનું રોગગ્રસ્ત શરીર, જેને પૂરેપૂરું ફૂલવા-ફાલવા દ્યો. શું આ ત્રણેય તમે ઉગાડી શકો, દેવ?" ઇન્દ્ર હસ્યા. "તું પોતાના માટે નહીં, પોતાના પિતા માટે વધુ માગે છે?" "તારી શ્રદ્ધા હજુય મને આશ્ચર્યચકિત કરે છે, અપાલા. જે સ્ત્રી પોતાના ઘાવ રુઝાયા પહેલા પિતાના ખેતર અંને તેમના હિતની વાત વિચારે, તેના માટે આ ત્રણેય વરદાન આપવાં એ તો ઋતનું જ ઋણ ચૂકવવા બરાબર છે — કેમ કે જેમ સૂર્ય એકલો પોતાના માટે નથી ઊગતો, તેમ મારી કૃપા પણ એકલા માટે નથી હોતી. જા, ને જો: તારા પિતાના માથા પર વાળ ઊગશે જેમ વસંતમાં નવાં પર્ણ ફૂટે છે, ને તેમનું ખેતર લચી પડશે જેમ શરદમાં ડાંગરના ખેતરો લચી પડે છે." ઇન્દ્રે પોતાનો રથ મંગાવ્યો — સોનેરી, જેને બે અશ્વો ખેંચતા હતા. તેમણે અપાલા તરફ હાથ લંબાવ્યો.

खे रथस्य खेऽनसः खे युगस्य शतक्रतो । अपालामिन्द्र त्रिष्पूत्व्यकृणोः सूर्यत्वचम् ॥ ગુજરાતી ભાષાંતર: હે શતક્રતુ ઇન્દ્ર, રથના છિદ્રમાં, ગાડાના છિદ્રમાં અને જોતના છિદ્રમાં—આ ત્રણ વખત મને શુદ્ધ કરીને તમે અપાલાને સૂર્ય જેવી તેજસ્વી કાંતિ ધરાવતી બનાવી. "પહેલાં તું ધૂંસરીના છિદ્રમાંથી પસાર થા," ઇન્દ્રે કહ્યું. "એ છિદ્ર સાંકડું છે, જેમ ગર્ભનું દ્વાર સાંકડું હોય છે. જે એમાંથી પસાર થાય છે, તે નવેસરથી જન્મે છે — જેમ સૂર્ય રોજ રાત્રિના ગર્ભમાંથી નવેસરથી ઊગે છે, છતાં એ જ સૂર્ય રહે છે."

અપાલા ધ્રૂજતા હાથે ધૂંસરીના છિદ્ર પાસે ગઈ. તેનું શરીર માંડ સમાયું; ચામડી ખેંચાઈ, દુખાવો થયો, પણ તેણે દાંત ભીંસીને પોતાની જાતને એમાંથી ખેંચી કાઢી. બહાર નીકળતાં જ, તેની ચામડીનો એક પડ, જૂનો ને રોગિષ્ઠ, પાછળ રહી ગયો — જાણે સાપ કાંચળી ઉતારે તેમ. "ફરી," ઇન્દ્રે કહ્યું, "હવે રથના છિદ્રમાંથી. અગ્નિ પણ કાષ્ઠને બે વાર બાળે ત્યારે જ રાખ શુદ્ધ થાય છે." આ છિદ્ર વધુ સાંકડું હતું. અપાલાની આંખોમાં આંસુ આવ્યાં, પણ તેણે વિચાર્યું પોતાના પિતાના ચહેરાનું, જે તેને જોઈને પણ સ્પર્શ કરતાં ડરતા હતા. તેણે પોતાની જાતને ધકેલી, ને બીજી વાર ચામડીનો પડ ઊતરી ગયો. આ વખતે નીચેની ચામડી હળવી ચમકતી હતી, જાણે વહેલી સવારનું આકાશ. "છેલ્લે," ઇન્દ્રનો સ્વર હવે કોમળ થયો હતો, "રથના પૈડાના છિદ્રમાંથી. આ પૈડું સૂર્યનું જ પ્રતિરૂપ છે, અપાલા — જેમ સૂર્ય આકાશમાં ફરે છે, તેમ આ પૈડું પૃથ્વી પર ફરે છે, ને બંને એક જ ઋતના તારથી બંધાયેલા છે. જે એમાંથી પસાર થાય છે, તે સૂર્યના તેજને પોતાનામાં ધારણ કરે છે, ને ઋતના એ જ ચક્રમાં પોતાનું સ્થાન પામે છે." અપાલાએ છેલ્લી વાર પોતાની જાતને એકઠી કરી. પૈડાનું છિદ્ર સૌથી સાંકડું હતું, ને પીડા સૌથી તીવ્ર. પણ જ્યારે તે બહાર આવી, ત્યારે તેની ચામડી સંપૂર્ણપણે નવી હતી — સ્વચ્છ, ચમકતી, જાણે સૂર્યનાં કિરણો તેના શરીરમાં ઊતરી આવ્યાં હોય. નદીના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને અપાલા સ્તબ્ધ થઈ ગઈ. વર્ષો પછી પહેલી વાર, તેણે પોતાની જાતને ધિક્કાર્યા વગર જોઈ. ઇન્દ્રે પોતાનો હાથ ઐત્રેયના ખેતરની દિશામાં લંબાવ્યો. ક્ષિતિજ પર વાદળો ઘેરાવા લાગ્યાં, જાણે આકાશ પોતે જ અપાલાની શ્રદ્ધાનો ઋણ ચૂકવવા ઊમટ્યું હોય. જ્યારે અપાલા આશ્રમ તરફ ચાલી, ત્યારે તેની પાછળ પહેલો વરસાદ વરસવા લાગ્યો — વર્ષોના દુકાળ પછીનો પહેલો વરસાદ. ઋષિ પોતાની દીકરીને જોઈને પહેલાં ઓળખી જ ન શક્યા. "કોણ છે તું?" તેમણે પૂછ્યું, ને પછી તેની આંખોમાં જોઈને ધ્રૂજી ઊઠ્યા. "અપાલા?! બેટા, આ... આ કેવી રીતે?" તેમણે પોતાનો હાથ પોતાના માથા પર ફેરવ્યો, ને આશ્ચર્યથી થંભી ગયા — જ્યાં વર્ષોથી ટાલ હતી, ત્યાં હવે નરમ, કાળા વાળની એક પાતળી હાર ઊગી નીકળી હતી. "આ... આ મારું માથું! બેટા, આ શું છે?" "ઇન્દ્ર દેવે મારા પર કૃપા કરી, પિતાજી, ને તમારા પર પણ." અપાલાએ ધીમેથી કહ્યું, તેની આંખોમાં હાસ્ય ચમક્યું. "મેં તેમની પાસે ત્રણ વરદાન માગ્યાં — તમારું માથું, તમારું ખેતર, ને મારું પોતાનું શરીર. ત્રણેય તેમણે આપ્યાં. પણ સાચું કહું તો, મને લાગે છે કૃપા ત્યારે જ આવે છે જ્યારે આપણે પોતાની જાત પર શ્રદ્ધા રાખવાનું છોડતા નથી — ભલે આખું જગત આપણને છોડી દે." ઋષિ ગળગળા થઈ ગયા. "મારી ટાલ પર તો હું વર્ષોથી હસી કાઢતો, બેટા. પણ તેં તો એ પણ યાદ રાખ્યું, જ્યારે તારી પોતાની જ પીડા આટલી મોટી હતી."

એ રાત્રે, જ્યારે આખો આશ્રમ ઊંઘી ગયો, અપાલા ફરી નદીકિનારે ગઈ. તારાઓ તળે બેસીને, તેણે પોતાના અનુભવ વિષે વિચારતી હતી ત્યાં તેની દ્રષ્ટિ સામે — પોતાની પીડા, પોતાનો ડર, ને ઇન્દ્રની કૃપાનું વર્ણન તરવા લાગ્યું. શબ્દો સહજ રીતે તેના મુખેથી વહેવા લાગ્યા, પહેલાં તેણે ગાયું એ ક્ષણનું, જ્યારે તેને નદીકિનારે સોમની ડાળી મળી હતી: *"कन्या वार्आवयती सोममपि स्रुताविदत्।* *अस्तं भरन्त्यब्रवीदिन्द्राय सुनवै त्वा शक्राय सुनवै त्वा॥"* "પાણી લેવા જતી કન્યાએ વહેતા ઝરણમાં સોમ પડેલો શોધ્યો; ઘર તરફ લઈ જતાં તેણે કહ્યું: 'હું તને ઇન્દ્ર માટે પીલીશ, હું તને શક્ર માટે પીલીશ.'" પછી તેણે ગાયું ત્રણ વરદાનનું, જે તેણે ઇન્દ્ર પાસે માગ્યાં હતાં: *"इमानि त्रीणि विष्टपा तानीन्द्र वि रोहय।* *शिरस्ततस्य उर्वरामाददिं म उपोदरे॥"* "હે ઇન્દ્ર, આ ત્રણેય સ્થાનોને ઉગાડો — મારા પિતાનું માથું, તેમનું ખેતર, ને મારું પોતાનું આ શરીર." ને છેલ્લે, જ્યારે તેણે પોતાના ત્રણ છિદ્રોમાંથી પસાર થવાનો પ્રસંગ ગાવા માંડ્યો, ત્યારે તેના મુખેથી આપોઆપ પંક્તિઓ સરી પડી — જાણે ઇન્દ્ર પોતે જ તેની જીભ પર બેસી ગયા હોય: *"खे रथस्य खेऽनसः खे युगस्य शतक्रतो।* *अपालामिन्द्र त्रिष्पूत्व्यकृणोः सूर्यत्वचम्॥"* "હે શતક્રતુ, રથના છિદ્રમાં, ગાડાના છિદ્રમાં, ને ધૂંસરીના છિદ્રમાં, હે ઇન્દ્ર, તમે અપાલાને ત્રણ વાર શુદ્ધ કરી, ને તેને સૂર્ય જેવી તેજસ્વી ચામડી અર્પી." આ ત્રણેય પંક્તિઓ ગાતાં ગાતાં અપાલાના ગળે ડૂમો ભરાયો. જે સોમની ડાળી, જે ત્રણ વરદાન, જે ત્રણ છિદ્રો તેની પીડા ને તેની શ્રદ્ધાનાં સાક્ષી હતાં, તે જ હવે તેના મંત્રમાં અમર થઈ રહ્યાં હતાં. પરોઢ થતાં સુધીમાં, તેની પાસે એક પૂરું સૂક્ત તૈયાર હતું — ઋગ્વેદના આઠમા મંડળનું એકાણુમું સૂક્ત, જેની દ્રષ્ટા બીજું કોઈ નહીં, પણ સ્વયં અપાલા ઐત્રેયી હતી. સવારે, જ્યારે તેણે પોતાના પિતાને એ સૂક્ત સંભળાવ્યું, ત્યારે ઋષિની આંખોમાં આંસુ આવ્યાં — આ વખતે દુઃખનાં નહીં, ગર્વનાં. તેમણે કહ્યું, "બેટા,તેં જે રચ્યું છે, તે ફક્ત મારી દીકરીની વાત નથી. આ તો દરેક એ સ્ત્રીની વાત છે જેને જગતે તજી છે, છતાં જેણે પોતાની શ્રદ્ધા નથી તજી. આ ઋચાઓ જેનાથી ઈન્દ્રદેવ પ્રસન્ન થયા તે હવે ઋગ્વેદનો ભાગ બની ને અમર થશે.” અપાલાનું સૂક્ત જેનાથી ઈન્દ્રદેવ પ્રસન્ન થયા હતા, અને તેમણે અપાલાની વ્યાધી દૂર કરી હતી તેની કીર્તિ દૂર દૂરના પ્રદેશો સુધી પહોંચી હતી. એક દિવસ, શરદ ઋતુની સાંજે, ઐત્રેય ઋષિના આશ્રમમાં એક વૃદ્ધ પરિવ્રાજક આવ્યો — ઘણા દેશો ફરી ચૂકેલો, જેની દાઢી બરફ જેવી સફેદ હતી ને આંખોમાં દૂર દેશોનું જ્ઞાન ચમકતું હતું. વૃદ્ધ પરિવ્રાજક પશ્ચિમના સમુદ્રપારના પ્રદેશોથી લઈને ઉત્તરના હિમાચ્છાદિત વનો સુધી ફરી ચૂક્યો હતો. રાત્રે અગ્નિની આસપાસ બેસીને, જ્યારે તેણે અપાલાની કથા સાંભળી, ત્યારે પરિવ્રાજક મલક્યો. તેણે કહ્યું, "આ કથા સાંભળીને મને લાગે છે કે અપલાની રૂચાઓ દુર દુરના પ્રદેશોમાં પ્રસરી ગઈ છે બીજા પ્રદેશોમાં પણ દેવોના આશીર્વાદ માટે સામાન્ય પ્રજાજનો પણ આનું અનુસરણ કરે છે — જાણે દેવો બધે એક જ ભાષામાં સમજતા હોય." પશ્ચિમમાં જ્યાં સૂર્ય સમુદ્રમાં ડૂબે છે,ત્યાં બ્રિટન નામનો દેશ છે તેમાં કોર્નવોલ નામની જગા છે. ત્યાં એક વિશાળ ગોળ પથ્થર છે, વચ્ચે મોટું છિદ્ર પડેલું — તેને તેઓ 'છિદ્રવાળો પથ્થર' કહે છે. ત્યાંના લોકો માને છે કે જે બાળક ચામડીના રોગથી કે નબળાં હાડકાંથી પીડાય, તેને એ છિદ્રમાંથી ત્રણ વાર પસાર કરાવવાથી, પછી ઘાસ પર ખેંચવાથી, રોગ દૂર થાય છે. મોટેરાં પણ, કમરના દુખાવાથી પીડાતાં, સૂર્યની વિરુદ્ધ દિશામાં નવ વાર એ છિદ્રમાંથી નીકળે છે. ઋષિકુમારોની આંખો પહોળી થઈ ગઈ. "આ તો... અપાલા સાથે જે થયું એના જેવું જ છે — જૂનું, ખોટું રૂપ ઉતારીને સાચું રૂપ પામવું." બરાબર એમ જ, આપણી એવી ધારણા છે કે એ લોકોના ને આપણા વચ્ચે ક્યારેય કોઈ સંપર્ક નથી રહ્યો, છતાં તેઓ આનું અનુસરણ કરે છે અર્થાત ક્યાંક આપણી ધારણા ખોટી છે. ઋષિકુમારોએ પૂછ્યું, "ને પશ્ચિમના એ પ્રદેશો ઉપરાંત?" "પર્વતોની પેલે પાર, જ્યાં આપણી જ ભાષાના ભાઈ-બહેન વસે છે — તેમને તેઓ પોતાને પારસી (આજનું ઈરાન) કહે છે. તેમના પુરોહિતો પણ આપણા સોમ જેવી જ એક વનસ્પતિનો રસ કાઢે છે, જેને તેઓ 'હોમ' કહે છે. તેઓ પણ એ રસને કૂટીને, દૂધ ભેળવીને, ઉપચાર ને શુદ્ધિ માટે અર્પણ કરે છે. તેમની પાસે છિદ્રમાંથી પસાર થવાની વિધિ નથી, પણ તેમનું આખું શ્રદ્ધા-તંત્ર આપણા જેવું જ છે — અશુદ્ધિ એ રોગ છે, ને પવિત્ર અર્પણ દ્વારા દેવ તેને દૂર કરે છે. કહે છે કે આપણા બંને લોકો, વૈદિક ને પારસી, એક જ પ્રાચીન કુળમાંથી ફૂટ્યા છે, જેમ એક જ વૃક્ષની બે ડાળીઓ." અગ્નિની જ્વાળા તરફ તાકતાં ઋશીકુમાંરોએ પૂછ્યું, તથા અન્ય કોઈ પ્રદેશમાં આ અનુસરણ છે. પરિવ્રાજકનો સ્વર થોડો ગંભીર થયો. "ઉત્તરમાં, જ્યાં બરફ ક્યારેય ઓગળતો નથી, ત્યાંના શામનો — તેમના વૈદ્ય-પુરોહિતો — માને છે કે રોગ પોતે જ દેવોનું બોલાવણું છે. તેમની કથાઓમાં, ભાવિ શામનને સ્વપ્નમાં દેવો તેમના શરીર ટુકડે ટુકડા કરી નાખે છે, પછી નવા હાડકાં પર નવું માંસ ચઢાવે છે, નવું લોહી રેડે છે — ને ત્યારે જ તે ઉપચાર કરવાની શક્તિ પામે છે. તેમના ઘરના છાપરા પર એક ગોળ છિદ્ર હોય છે, જેમાંથી ધુમાડો નીકળે છે; તેઓ માને છે કે એ છિદ્ર જ સ્વર્ગ ને પૃથ્વીને જોડતું દ્વાર છે, જેમાંથી શામનનો આત્મા યાત્રા કરે છે." ઋષિકુમારો થોડી ક્ષણ વિચારમગ્ન થઇ ગયા, પછી ધીમેથી બોલ્યા, "તો અપલાનો રોગ પણ સજા ન હતો, મુનિવર. કદાચ એ જ મારું બોલાવણું હતું — ઇન્દ્ર સુધી પહોંચવાનો મારો રસ્તો." પરીવ્રાજકે માથું હલાવ્યું. "બરાબર, પૂર્વથી પશ્ચિમ સુધી, બરફના પ્રદેશોથી રણ સુધી, મનુષ્યોએ એક જ સત્ય જુદી જુદી ભાષામાં કહ્યું છે: જે તૂટે છે, તે જ ફરી ઘડાય છે. ને જે સાંકડા દ્વારમાંથી પસાર થવાની હિંમત કરે છે, તે જ બીજી બાજુ નવો જન્મ પામે છે — ભલે એ દ્વાર રથનું પૈડું હોય, પર્વતનો છિદ્રવાળો પથ્થર હોય, કે યુર્તનું ધુમાડાનું બાકોરું." તે રાત્રે અગ્નિની આસપાસ બેઠેલા સૌ કોઈ મૌન થઈ ગયા, જાણે દૂર દેશોના એ અજાણ્યા લોકોનો અવાજ પણ પોતાનો જ હોય. સત્ય એક જ છે : ગોળ છિદ્ર જાણે ગર્ભનું દ્વાર છે, ને એમાંથી પસાર થવું એટલે નવેસરથી જન્મવું." જ્યારે ઋષિમંડળો ઋગ્વેદના સૂક્તોનું સંકલન કરી રહ્યા હતા, ત્યારે તેમાં એક સૂક્ત એવું પણ સામેલ થયું જેની રચયિતા કોઈ ઋષિ નહીં, પણ એક ઋષિકા હતી — અપાલા ઐત્રેયી, જેણે પોતાના દાંતથી સોમ પીલ્યો હતો, ને ત્રણ છિદ્રોમાંથી પસાર થઈને પોતાનું જીવન ફરી પામ્યું હતું. જે લોકો તેને જોઈને મોઢું ફેરવતા હતા, તે જ લોકો હવે તેની વાત ગર્વપૂર્વક બધાને કહેતા. પણ અપાલા માટે સાચી જીત ચામડીના રૂપાંતરમાં ન હતી — તે એ ક્ષણમાં હતી જ્યારે તેણે, તિરસ્કૃત ને એકલી હોવા છતાં, નદીકિનારે ઊભા રહીને પોતાનો અવાજ ઉઠાવ્યો હતો, અને ઇન્દ્રદેવે તેની પ્રાથના સાંભળી હતી. કારણ કે કેટલીક વાર, ઉપચાર બહારથી નથી આવતો — તે ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે, ભાંગેલા ને તૂટેલા હોવા છતાં, પોતાની જાત માટે ઊભા થવાનું સાહસ કરીએ છીએ. અપાલાની ચામડી ભલે ઇન્દ્રે સાજી કરી, પણ તેની હિંમત, તેની શ્રદ્ધા — એ તેની પોતાની જ હતી, જેણે અપાલાને ઋષિકાનું પદ અપાવ્યું.

Reflections

Leave a reflection

Your name and words appear below. Your email is kept private and never shown.